નવસારીમાં ઘરફોડ ચોરીની ઘટનાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઝડપાયેલા ચોર પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, બીલીમોરા શહેરમાં તાજેતરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરીના બનાવો બન્યા હતા, જેના કારણે પોલીસ સક્રિય બની હતી. એલસીબીની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે એક વૃદ્ધને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બીલીમોરામાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી. તેમજ ઝડપાયેલા ચોરે કરેલા આઠ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે તેની પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 93,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલનો સમાવેશ થાય છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ વૃદ્ધ ચોર માત્ર બીલીમોરામાં જ નહી પરંતુ તેણે સુરત અને ભરૂચમાં પણ આઠ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આમ, એક વૃદ્ધ ચોરની ધરપકડથી અનેક ગુનાઓનો પર્દાફાશ થયો હતો. પોલીસે હાલ આ વૃદ્ધની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અન્ય ચોરીના બનાવોમાં તેની સંડોવણી અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

