સૌરાષ્ટ્રના ગીર પંથકના સિંહો પર રહસ્યમયી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં 2 સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક 2 સિંહબાળ અગમ્ય કારણોથી મોતને ભેટતા વન વિભાગે આ વિસ્તારમાં રહેલી 2 સિંહણ અને તેની સાથે જોવા મળતા 9 સિંહબાળને પાંજરે પૂરીને મોતનું કારણ ચકાસવા કામગીરી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા સિંહોના મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સિંહ બાળના મોત કઈ રીતે થયા તે મામલે શેત્રુંજી ડિવિઝન વન વિભાગના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે. હાલ સમગ્ર મામલામાં મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી. વન વિભાગને શંકા છે કે, આ સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો હોઈ શકે છે.મૃત્યુ પામેલા સિંહબાળના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનની જાફરાબાદ રેન્જમાં બન્યો છે, જ્યાં વન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે કાર્યરત થઈ ગઈ છે. ઉદ્યોગો અને માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી અન્ય સિંહોમાં આ રોગ ન ફેલાય તેની ખાતરી કરી શકાય.

