ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબર જામી છે. રાજ્યમાં ચારેબાજુ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને ખરા સમયે જ ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ખાતર નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ઘણી જગ્યાએ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. બીજી બાજુ વરસાદે અનેક ખેડૂતોનો તૈયાર પાક ધોઈ નાંખ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં ઇફ્કોએ રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે.
IFFCO દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થયા બાદ ખેડૂતોને ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં મળશે. 2025ના વર્ષથી જ ખાતરના ભાવ વધી રહ્યાં છે. ગત જાન્યુઆરીમાં પણ ઈફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો હતો. ખાતરના ભાવ વધતાં ખેડૂતોને સીધી અસર થશે. ઈફકોએ ભાવ વધારો કર્યા બાદ કેટલાક ખેડૂતો એ યુરિયા ખાતરની જેમ સબસીડી આપવામાં આવે તેવી માગ કરી છે. આ ઉપરાંત ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન નિવડશે. હાલમાં ખેડૂતોને ખાતરની જરૂર છે તેવામાં આ ભાવ વધારો ખેડૂતોની રોજગારી પર અસર કરશે. એક જુલાઈથી આ ભાવ વધારો અમલમાં રહેશે.

