Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સીએટ ટાયર કંપનીની ડુપ્લીકેટ ટયુબ બનાવવાનું કારસ્તાન : દરોડો નકલી ટયુબ, પેકીંગ બેગ, ટયુબ પર પ્રિન્ટ કરવા માટેની ડાઈ કબજે

રાજકોટમાં આજી જીઆઈડીસીમાં સ્થિત મીરા ઉદ્યોગનગરમાં આવેલા રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં પોલીસે દરોડો પાડી જાણીતી ટાયર કંપનીની ડુપ્લીકેટ ટયુબ બનાવવાનું કારસ્તાન ઝડપી લીધું હતું. કારખાનામાંથી પોલીસે 1650 નંગ નકલી ટયુબ કબજે કરી હતી. જો કે કારખાનાનો માલીક કોણ છે તે વિશે પોલીસે અજાણ હોવાનું કહેતાં આશ્ચર્ય ફેલાયું છે.

સીએટ ટાયર કંપનીના સેલ્સ માર્કેટીંગના માણસોને જાણવા મળ્યું હતું કે રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં તેમની કંપનીની ડુપ્લીકેટ ટયુબ બનાવી વેચવામાં આવે છે. આ અંગે કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફીસર સુશીલ ચૌહાણને કાર્યવાહી કરવાની સુચના આપતાં તેણે થોરાળા પોલીસનો સંપર્ક કર્યો હતો. બુધવારે થોરાળા પોલીસે રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં દરોડો પાડતાં ત્યાંથી સીએટ કંપનીની 1650 ડુપ્લીકેટ ટયુબ મળી આવી હતી. જેની કિંમત રૂ. 5.44 લાખ ગણી હતી. આ ઉપરાંત 56700 નંગ બેગ કબજે કરી હતી.જેની કિંમત રૂ. 5.67 લાખ ગણી હતી. સાથો-સાથ ટયુબ ઉપર પ્રિન્ટ કરવા માટેની ડાઈ પણ મળી હતી. જેની કિંમત રૂ. 20,000 ગણી કુલ રૂ. 11.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે પોલીસે કારખાનાના માલીક સામે બીએનએસની કલમ 318(14) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે,બુધવારને કારણે કારખાનામાં રજા હતી. જેથી કારખાનાના માલીક હાજર ન હતા. કેટલાક મજુરો હાજર હતા. પરંતુ તેમની પાસેથી કારખાનાના માલીકનું નામ મળ્યું નથી. ફરિયાદમાં કારખાનાનું નામ રોયલ લખવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જેમાં ભૂલ છે. ખરેખર કારખાનાનું નામ રોલેક્ષ છે.

Advertisement
error: Content is protected !!