સુરત જિલ્લાના મહુવાના કુમકોતરમાં પત્ની સાથે પ્રેમસંબંધની શંકા રાખી પતિનો યુવક પર સળિયાથી હુમલો કર્યો હતો. પતિએ કહ્યું કે તે મારી જિંદગી બગાડી નાખી છે. મારી પત્ની સાથે પ્રેમસંબંધ રાખીશ તો તને છોડીશ નહીં. થવાયેલા યુવકને બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હુમલો કરનાર પતિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, કુમકોતર ગામે કાકરીયા રોડ પર રહેતા અશોક છોટુ પટેલ દૂધની ડેરી પાસે ઉભો હતો ત્યારે ગામના ગામતળ ફળિયામાં રહેતા ધર્મેશ કાન્તુભાઈ પટેલે ત્યાં આવી તે મારી જિંદગી બગાડી નાખી છે. તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે, કેમ સંબંધ રાખે છે. 
તેમ કહેતા અશોકે કહ્યું કે મેં તારું કશું બગાડયું નથી. તે મને તારી પત્ની સાથે ક્યારે જોયો? આ વાત સાંભળી ઉશ્કેરાયેલા ધર્મેશ પટેલે તેની દુકાનમાંથી લોખંડનો સળિયો લાવી અશોક પટેલને મારી દીધો હતો. ત્યાં બચવાના પ્રયાસમાં થયેલી ઝપાઝપીમાં અશોકને ડાબી આંખ, અને ડાબા કાન અને છાતીના ભાગે પણ સળિયો વાગી ગયો હતો. ધર્મેશ પટેલે ધમકી આપતા કહ્યું હતું કે, મારી પત્ની સાથે પ્રેમસંબંધ રાખીશ તો તને છોડીશ નહીં. તું ઘરની બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ. કુમકોતર ગામમાં જાહેર રોડ પર બનેલી મારામારી આ ઘટનાથી ચકચાર મચી હતી. અશોક પટેલને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અશોક પટેલની ફરિયાદ લઈ કુમકોતરના ધર્મેશ કાન્તુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

