નવસારી હાઈવે રોડના ચીખલી નજીક દેગામ ઓવરબ્રિજ ઉપર એલ.સી.બી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ.૧.૬૮ લાખનો ઈંગ્લિશ દારૂ ભરેલી કારને ઝડપી પાડી હતી. જોકે ચાલક ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે, વાપી તરફથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર નવસારી હાઇવે રોડ પરથી પસાર થનાર છે.
જેના આધારે એલ.સી.બી.ની ટીમે ચીખલી નજીકના દેગામ રેલવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
જોકે આ સમયે બાતમીના વર્ણનવાળી બ્રેઝા કારને લાકડી બતાવી અટકાવવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પોલસથી બચવા માટે કારને પૂર ઝડપે હંકારતા ઓવરબ્રિજના છેડે ડીવાઈડર સાથે ભટકાતા કારને બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતગ્રસ્ત કારની પોલીસે તલાશી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો કિંમત રૂ.૧.૬૮ લાખનો જથ્થો મળી આવતા પોલીસે ઈંગ્લિશ દારૂ અને કાર મળી રૂ.૬.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે તેને ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે ચીખલી પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

