હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
વડોદરા, નડિયાદ અને આણંદ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને પાટણમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. વરસાદનાં પગલે વહીવટી તંત્ર દ્વારા 4,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ 684 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા 13 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ 02 NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7થી 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

