રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઈંચ, વલ્લભીપુરમાં 4.21 ઈંચ, વ્યારામાં 3.90 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ અને બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. 
આગામી આઠમી અને નવીમી જુલાઈનાં રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તારીખ 10મી અને 11મી જુલાઈના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

