આણંદનાં પેટલાદનાં ગોપાલપુરા રોડ પર આવેલા રૂપારેલ માતાજીના મંદિરમાં દાન પેટી તોડીને રોકડ અને સિક્કા સહિત ૧૫ હજારની વધુની ચોરી કરીને શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, પેટલાદના ગોપાલપુરા રોડ ઉપર આવેલા રૂપારેલ માતાજીના મંદિર ખાતે ત્રાટકેલા તસ્કરો દાન પેટી તોડી રોકડ રકમ તેમજ સિક્કા મળી કુલ રૂપિયા ૧૫,૦૦૦ ઉપરાંતની મતાની ચોરી કરી ગયા હતા. 
બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પેટલાદના ગોપાલપુરાથી લક્કડ પુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા રૂપારેલ માતાજીના મંદિરમાં ગત સોમવાર રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના પ્રવેશ દ્વારની લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાં મુકેલા દાન પેટી બહાર લઈ આવી દાન પેટી તોડી અંદરથી રોકડ તેમજ સિક્કા મળી કુલ રૂપિયા ૧૫,૪૭૦/-ની ચોરી કરી લઈ ગયા હતા. બીજા દિવસે સવારે આસપાસના સ્થાનિકોને મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતા મંદિરની દેખરેખ રાખનાર અશ્વિનભાઈ સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા અને મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા બે શખ્સો ચોરી કરતા નજરે પડયા હતા જેથી બનાવ અંગે અશ્વિનભાઈ સનાભાઇ તળપદાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી.

