સુરતનાં માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે ચોરોએ એક મકાનમાંથી સોના ચાંદીનાં ઘરેણાં અને રોકડ મળી કુલ ૧.૧૫ લાખથી વધુની ચોરી કરી હતી. જયારે આ બનાવ નાબ્યો તે સમયે પરિવાર પહેલા માળે સૂતેલો હતો અને તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં હાથફેરો કરી ભાગવામાં સફળ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, માંડવીનાં ગોદાવાડી ગામે નવી ચાલી ફળિયામાં રહેતા કૌશિકભાઈ ઝીણાભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
તેઓ તેમની પત્ની, માતા અને બે સંતાન સાથે રહે છે.
ગત ૨૯મી જૂનના રોજ રાત્રિના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય લોખંડના જાળીવાળા દરવાજાને તાળું મારી પરિવાર ઉપરના રૂમમાં સૂવા માટે ગયો હતો. બીજા દિવસે સવારે સાત વાગ્યે કૌશિકભાઈ ઊઠીને નીચેના રૂમમાં ટેબલનું ખાનું ખોલવા જતાં અંદર મૂકેલા ૭૦૦ રૂપિયા ગાયબ હતા આથી તેમણે પત્નીને કબાટમાં મુકેલ ખાના ખોલવાનું કહેતા તપાસ કરતાં અંદરથી કુલ ૧,૧૫,૭૦૦/-ની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તપાસ કરતાં પ્રથમ માળની ગેલેરીમાં આવેલી લોખંડની જાળીનો અડાગરો ખોલી ચોરોએ ઘરમાં પ્રવેશ કરી ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં મૂકેલ કબાટ અને પેટી પલંગમાંથી ચાવી લઈ કબાટ ખોલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી અંગે કૌશિકભાઈએ માંડવી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

