સુરત જિલ્લાનાં સાયણ સુગર રોડની રેસિડેન્સીના ફ્લેટમાં માંડવીના શ્રમિકે ફાંસો ખાધો હતો. અન્ય સ્ત્રી સાથે વાત કરવા મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવતા પતિએ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ માંડવી તાલુકાનો શ્રમિક ધનસુખ ચીમતાભાઈ ચૌધરી હાલમાં સાયણ સુગર રોડ ઉપર આવેલ કેસરીનંદન રેસિડન્સીના ફ્લેટ નંબર-સી/૧૦૨માં તેની પત્ની રીંકલબેન સાથે ભાડેથી રહેતો હતો.
ધનસુખ કોઈ અજાણી સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે તેની પત્ની રીંકલ બંનેને જોઈ ગઈ હતી. જેથી ફ્લેટ ઉપર પહોંચેલા ધનસુખને પત્નીએ આ બાબતે પૂછપરછ કરતા ઝઘડો થયો હતો. પત્નીએ તેને અજાણી સ્ત્રી સાથે વાત ન કરવા સમજાવ્યો હતો. જેથી પતિને મન દુ:ખ થતાં તેણે સાંજે ફ્લેટના હોલની છતમાં લગાવેલ સીલિંગ ફેનની હૂક સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના અંગે મૃતકની પત્ની રીંકલબેને સાયણ પોલીસ મથકે જાણ કરી હતી.

