સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં માલ્ધા ફાંટા નજીક માંડવી ઝંખવાવ માર્ગ પરથી પસાર થતી કાર ચાલક એસઆરપી જવાને એક કાર અને ત્રણ બાઈકને ટક્કર મારી દેતાં નુકસાન પહોંચાડયું હતું. એસઆરપી જવાન નશાની હાલતમાં હતો અને કારમાંથી ત્રણ બિયરની બોટલ પણ મળી આવી હતી. બનાવ અંગે અકસ્માત અને દારૂનાં બે જુદા જુદા કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં માલ્ધા ગામના ફાંટા નજીક પૂરઝડપે આવી રહેલી એક આર્ટિગા કારના ચાલક હિતેશ કિશન ગાયકવાડ (રહે.વીરક્ષેત્ર, કપરાડા, જિ. વલસાડ, હાલ રહે. રૂપ નગર વાલિયા કેમ્પ, વ્યારા)એ આગળ ચાલતી મહિન્દ્રા કંપની ટીયુવી કારને ટક્કર મારી હતી. આ સાથે અન્ય ત્રણ બાઈકને પણ અડફેટે લેતાં નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશ કિશન ગાયકવાડ અને તેની બાજુની સીટ પર બેસેલ વિરલ જિતેન્દ્ર વળવી (રહે.રાયગઢ, તા.નિઝર, જિ.તાપી) બંને નશાની હાલતમાં હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને કારમાંથી ત્રણ બોટલ બિયરની મળી આવી હતી. આમ, પોલીસે બંને વિરુદ્ધ વિદેશી દારૂની હેરાફેરી અને નશો કરવાનો તેમજ હિતેશ વિરુદ્ધ અકસ્માતમાં નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

