ગાંધીનગરમાં યુવકે શેર બજારમાં રોકાણની લાલચ આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર ૪૮ લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવીને સાઇબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. બનાવ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 
મળતી માહિતી મુજબ, ગત ૨૩ ઓગસ્ટના રોજ આ યુવક સોશિયલ મીડિયા જોઈ રહ્યો હતો તે દરમિયાન શેરબજારને લગતી એક રીલ્સ જોઈ હતી અને ત્યારબાદ તેની ઉપર ક્લિક કરતા વોટ્સએપ નંબર ખૂલ્યો હતો અને ત્યારબાદ તેની સાથે સંપર્ક કરતા નવી દિલ્હીથી અર્જુન હિન્દુજા આર.બી.એલ. સિક્યુરીટીઝમાં ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી હતી.
તેણે યુવાન સાથે શેર અને શેર માર્કેટના વિશ્લેષણ અંગે વાતચીત કરી અને કસ્ટમર કેરમાં વોટ્સએપ નંબર પર સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ યુવાનને આરબીએલ સિક્યુરીટીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને તેમાં સબસ્ક્રિપ્શન કરવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં રૂપિયા ૧૫,૦૦૦/-ના આઇપીઓ સબસ્ક્રિપ્શનમાં રૂપિયા ૩,૦૦૦ નો નફો બતાવીને યુવાનનો વિશ્વાસ જીત્યો હતો. એટલું જ નહીં એક જ મહિનામાં આ યુવાન પાસેથી અલગ અલગ ખાતામાં ૪૮ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ તેના રૃપિયા નહીં ઉપાડતા આખરે તેને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

