તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો.વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, એજી ઓડિટ પારા, સરકારી નાણાંની વસુલાત, તકેદારી આયોગની અરજીઓ, ઇ-સરકાર પોર્ટલની અમલવારી અંગે તેમજ સાંસદ-ધારાસભ્યોની રજૂઆત જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. 
બેઠકમાં કલેક્ટરશ્રીએ સરકારી નાણાંની સમયસર વસુલાત સુનિશ્ચિત કરવા, સાંસદ-ધારાસભ્ય અને પદાધિકારીઓના પ્રશ્નોનો યોગ્ય અને સમયસર ઉકેલ કરવા, તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે તાત્કાલિક તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

