રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની બોલબાલા વધી છે જેમાં નકલી અધિકારીઓ અને નકલી વસ્તુઓ કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે હવે સુરત જિલ્લાનાં સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. જે અસલી સોનાના હોલમાર્કા સાથે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના વહેંચતા હતા. આ મામલે પોલીસે 12 શખસોની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, સુરતનાં સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમા ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે.
આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100 ટકા શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કની સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા જ્વેલરી સ્ટોરમાં નકલી સોનાની ચેઈન વહેંચવા ગયા હતા. જ્વેલર્સનાં માલિકને સોનું નકલી જણાતા તેણે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યા ઘરમાં જ અસલી સોનાના નામે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતા હતા. આમ, પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરીને કુલ 12 આરોપીઓની ધરપકડ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી વિવેક સોની સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનુ બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હતું. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

