Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ : વરસાદથી સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

જૂનાગઢ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો. માળિયાહાટીના પંથકમાં ધોધમાર 6 વિસાવદરમાં 5, જંગલ ક્ષેત્રમાં 8 ઈંચ વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ પડી હતી. કેશોદમાં બે કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદથી અનેક સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. અમુક ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. એક મહિલા ઉતાવળી નદીમાં તણાઈ ગઈ હતી જેને શોધવા એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓઝત, નોળી સહિતની નદીઓ ગાંડીતુર બની હતી. બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢ સહિત સમગ્ર જીલ્લામાં આજે સવારથી મેઘાડંબર છવાયું હતું. વિસાવદરમાં 10 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો હતો. ત્યારબાદ 1 ઈંચ પાણી વરસ્યું હતું. કુલ પ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જંગલ વિસ્તારમાં મુશળધાર 8 ઈંચ વરસાદ થતા શિંગોડા નદી ગાંડીતુર થઈ હતી. કનકાઈ મંદિરે હોલની બાઉન્ડ્રી પરથી શિંગોડા નદીના પાણી વહ્યા હતા. આ ઉપરાંત જંગલમાં અન્ય નદી-નાળાઓમાં ભારે પુર આવ્યું હતું. વિસાવદર પંથકમાં થયેલા વરસાદથી ઓઝત નદીમાં પણ પુર આવ્યું હતું.

જ્યારે માળિયાહાટીના પંથકમાં સવારે ૮ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજ સુધીમાં મુશળધાર ૬ ઈંચ વરસાદ થતા સ્ટેશન નજીક આવેલો અંડરપાસ સ્વિમીંગપુલ બની ગયો હતો. શહેરના પટેલ સમાજ, માધવનગર, શાકમાર્કેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મેઘલ નદીમાં ભારે પુર આવ્યું હતું. નદીની અંદર આવેલા 10  ફુટના શિવલીંગ પર મેઘરાજાએ જલાભિષેક કર્યો હતો. આ ઉપરાંત આંબેચા, અમરાપુર, ભંડુરી, કડાયા, અકાળા, દુધાળા, લાઠોદ્રા, વિરડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ થયો હતો. ગ્રામ્ય વિસ્તાર તરફના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી. બે ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો હતો. આ વરસાદથી વ્રજમી, ભાખરવડ ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જ્યારે કેશોદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. દસેક વાગ્યે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું.

બે કલાકમાં 4 ઈંચ વરસાદ થતા શહેરના રણછોડનગર, જોલીપાર્ક, મેઘના સોસાયટી, રાજનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. અમુક ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકોમાં ચિંતા વ્યાપી હતી. મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. રેલ્વે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું હતું. ઉતાવળી નદીમાં ભારે પુર આવ્યું હતું. માંગરોળ રોડથી શરદ ચોક સુધીના વિસ્તારમાં આવેલી તમામ દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.  જ્યારે અમીનાબેન સાટી નામની મહિલા ઉતાવળી નદીના પુલ પર રસ્તો ઓળંગવા જતા હતા ત્યારે પુરના પાણીમાં તણાઈ ગયા હતા. આ અંગેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું હતું. આ અંગે જાણ થતા એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તણાઈ ગયેલી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સદનસીબે વરસાદ બંધ થતા પાણી ઓસરવા લાગતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જ્યારે માંગરોળ પંથકમાં પણ ધોધમાર 3 ઈંચ વરસાદ થયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 2થી 3 ઈંચ વરસાદ થયો હતો. ઉપરવાસના થયેલા વરસાદથી નોળી નદીમાં પુર આવ્યું હતું. કામનાથ મહાદેવને મેઘરાજાએ અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત માણાવદર અને મેંદરડામાં 2 ઈંચ, વંથલીમાં 1 ઈંચ તેમજ જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ગિરનાર પર્વત ક્ષેત્રમાં અઢી ઈંચ વરસાદ થતા પર્વત પરથી ઝરણાઓ વહેવા લાગ્યા હતા.

 

Advertisement
error: Content is protected !!