રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અનુસાર, બુધવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના આંકડા અનુસાર, નર્મદાના સાગબારામાં 5.87 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.83 ઈંચ, તાપીના કુકરમુંડામાં 4.37 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.29 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 3.82 ઈંચ અને તાપીના વ્યારામાં 3.58 ઈંચ વરસાદ નોંધાયો છે.
લગભગ 124 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી તારીખ 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. તારીખ 30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને તારીખ 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.

