સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. જયારે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ મન મુકીને વરસતા ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ ગયા હતા. સુરતમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી આફત વરસી રહી છે અને તેના કારણે શહેરના મોટાભાગના વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે.
છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે.
પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે. આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોકવેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે.
પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે. આજે સુરતના પૂણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફગણ મળીને કુલ 102 અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા.
તેઓને સરથાણા ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. છેલ્લાં 24 કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઇંચ અને પલસાણા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતનાં બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

