કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થઇ રહેલી બાઈકને ટ્રાવેલ્સ બસનાં ચાલકે અડફેટમાં લેતા બાઈક પાછળ બેઠેલી યુવતીનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું.
મૃત્યુ પામનાર યુવતી બાઈક ચાલકના નાના ભાઈની વાગ્દતા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, હાલ કામરેજનાં નવાગામ ખાતે રહેતા અને મુળ ગીરસોમનાથ જિલ્લાનાં નારીયા ગામનાં ૨૯ વર્ષીય હિરેનભાઈ અશોકભાઈ લોઢીયા પોતાની બાઈકની પાછળ તેમનાં નાના ભાઈ મિહીરની મંગેતર અંજલીબેનને બેસાડી સૃષ્ટી કોમ્પ્લેક્ષની સામે કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમ્યાન એક ટ્રાવેલ્સ બસનાં ચાલકે પુરઝડપે બસ હંકારી લાવી હિરેનભાઈની બાઈકને અડફેટમાં લઈ અકસ્માતની ઘટનાને અંજામ આપી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. સુચીત અકસ્માતનાં બનાવમાં બાઈકની પાછળ બેઠેલી અંજલીબેનને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે કસુરવાર બસનાં અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

