કામરેજનાં સેવણીથી મીરીપુર રોડ પર બાઇક લઈને સાસરીમાં જઈ રહેલા યુવકને સ્વિફ્ટ કાર ચાલકે અડફેટે લેતા તેનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ચોર્યાસીના સણીયાહેમદ ખાતે રહેતા ૨૯ વર્ષીય સંજયભાઈ ચંદુભાઈ રાઠોડ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે સંજયભાઈ બે દિવસ પૂર્વે લીધેલી નવી બાઈક લઈને મીરીપુર ગામે સાસરીમાં પત્ની, પુત્ર અને પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા.
જોકે સંજયભાઈ સેવણીથી મીરીપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન સામેથી પુરપાટ માતેલા સાંઢની જેમ આવી રહેલા સ્વિફટ કારનો ચાલકે કાર હંકારી સંજયભાઈની બાઈકને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જોકે સૂચિત અકસ્માતની ઘટનામાં સંજયભાઈને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસે કસૂરવાર અજાણ્યા સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે અકસ્માતમાં સંજયભાઈના અકાળે મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

