નવસારીથી મહેસાણા તરફ કન્ટેનરમાં લઈ જઈ રહેલા રૂપિયા ૬.૯૫ લાખના બીયરના જથ્થા સહિત કુલ રૂપિયા ૨૭.૦૬ મુદામાલ સાથે પલસાણા પોલીસ માખીંગા પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસ કન્ટેનર ચાલક અને ક્લીનરની અટક કરી હતી. જ્યારે દારૂ મોકલનાર અને લેનાર બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ૪૮ પર પલસાણા તાલુકાના માખીંગા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે, નવસારી તરફથી એક કન્ટેનરનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા તરફ જઈ રહ્યું છે. જેથી પલસાણા પોલીસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન બાતમીનાં વર્ણનવાળું કન્ટેનર ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવીને તપાસ કરતા કન્ટેનરમાંથી ટીન બીયર નંગ ૩,૮૬૪ જેની કિંમત રૂપિયા ૬,૯૫,૫૨૦/- તથા કન્ટેનર જેની કિંમત રૂપિયા ૨૦ લાખ, આરોપીની અંગઝડતી કરતા મળી આવેલા રોકડા રૂપિયા તથા એક મોબાઇલ મળી કૂલ રૂપિયા ૨૭,૦૬,૦૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરીને કન્ટેનરનાં ચાલક શહેશાહ હકીમખાન શહજાદખાન હકીમઅલી (રહે.સંખનપુર ગામ, થાના.માંધાતા પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) તથા કલીનર મોહમદ તસરીફ નઇમ ઉદ્દીન (રહે.ગુલરા ગામ, તા.મિજાપુર. જિ.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની અટક કરી હતી. જયારે આ ગુન્હામાં સંડોવાયેલ અનિલ સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

