માંડવી તાલુકાનાં કરંજ ગામે આવેલ અશોક વાટિકા કોમ્પ્લેક્સમાંથી જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા ૨.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, માંડવી પોલીસની ટીમ તડકેશ્વર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કરંજ ગામની સીમમાં આવેલ અશોક વાટિકા કોમ્પ્લેક્સમાં ધાબા પર બનાવેલ રૂમમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાનાનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો મારી સ્થળ પર જુગાર રમી રહેલા પ્રકાશકુમાર ધનજીભાઈ ધડુક, હાર્દિક મીઠાભાઈ ધડુક, આશિષભાઈ વિનુભાઈ રૂપાલયા, કમલેશ ભગવાનભાઈ ચોડવડિયા, ચીમનભાઈ કરશનભાઈ ધડુક અને અરુણભાઈ રાણાભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આમ, પોલીસે તેમની પાસેથી દાવ પરના રોકડા રૂપિયા ૬૯,૬૦૦/-, અંગ ઝડતીના રોકડા, પાંચ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨,૫૯,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

