અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે. જેમાં 242 પેસેન્જર સવાર હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મદદ માટે ટાટા ગ્રુપ આગળ આવ્યું છે.
ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ આ દુર્ઘટનામાં ઘાયલોની સારવારનો તમામ ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉપાડશે.
આ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરે X પર પોસ્ટ કરતા લખ્યું કે હું ખૂબ જ દુઃખ સાથે પુષ્ટિ આપું છું કે અમદાવાદ લંડન ગેટવિકમાં કાર્યરત એર ઇન્ડિયાની ફ્લાઇટ, AI 171 આજે એક દુ:ખદ અકસ્માતમાં સંડોવાયેલી છે. આ વિનાશક ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે અમારા વિચારો અને ઊંડી સંવેદનાઓ છે.આ ક્ષણે, અમારું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને ટેકો આપવા પર છે. અમે સ્થળ પર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી શક્તિમાં બધું કરી રહ્યા છીએ.
વધુ ચકાસાયેલ માહિતી મળતાંની સાથે વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. માહિતી મેળવવા માંગતા પરિવારો માટે એક ઇમરજન્સી સેન્ટર સક્રિય કરવામાં આવ્યું છે અને સપોર્ટ ટીમની સ્થાપના કરવામાં આવી છે.
ત્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે અને ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર 6357373831, 6357373841 જાહેર કર્યો છે. દર્દીલક્ષી સારવાર સંબંધિત તમામ માહિતી આ નંબર પરથી મળી રહેશે. ત્યારે હાલમાં 4 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં આ અધિકારીઓને ઈમરજન્સી ડ્યુટીમાં મુકવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવની હેઠળ આ તમામ અધિકારીઓ કામ કરશે.

