સુરત જિલ્લાનાં ઓલપાડનાં કુંભારી ગામના નવાપરા મંદિર ફળિયામાં રહેતા હરીશભાઇ રામુભાઈ પટેલને સંતાનમાં બે પુત્રીઓ પૈકી મોટી દિકરી વિષા (ઉ.વ.૧૮) અને નાની પુત્રી ધ્રુવી (ઉ.વ.૧૨) અભ્યાસ કરતી હતી. જોકે ગત તારીખ ૨૩ મી મે’ના રોજ બપોરે હરીશભાઈની બંનં દિકરીઓ મોપેડ લઈ ઓલપાડ બજારમાં શાકભાજી લેવા માટે ગઈ હતી. તે સમયે એકટીવા વિષા હંકારી રહી હતી અને ધ્રુવી પાછળ સવારી કરી રહી હતી. તેઓ ઓલપાડ ગામની સીમમાં સંસ્કૃતિ સોસાયટીની સામેના રોડ ઉપર પરથી પસાર થઈ રહી હતી. 
ત્યારે અજાણ્યા વાહન ચાલકે મોપેડને સામેથી ટક્કર મારી હતી. જેથી વિષા અને ધ્રુવી મોપેડ સાથે રોડ ઉપર પટકાઈ હતી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. વિષાને શરીરે ઓછી વધતી ઈજાઓ થઈ હતી. બંને દિકરીઓને સારવાર અર્થે સુરતના રામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં વિષાને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી જયારે ગંભીર ઈજાગ્રસ્ત ધ્રુવીને આઈ.સી.યુ.વોર્ડમાં ખસેડી સારવાર અપાઈ રહી હતી. પરંતુ ધ્રુવીની ૧૯ દિવસની લાંબી સારવાર બાદ તારીખ ૧૦ નારોજ મોત થયું હતું. આ બાબતે મૃતક દિકરીના પિતા હરીશભાઈએ હોસ્પિટલના બિછાનેથી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ઓલપાડ પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

