Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદ્યા

અમદાવાદ શહેરનાં મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા.

જેથી આસપાસનાં રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

આગની ભીષણતાને કારણે લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કુદ્યા

આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.

વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું

આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં.079-232-51900 અને મોબાઈલ નં.9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે. અત્યારે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર વિમાનને કારણે લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે અને એનડીઆરએફ તથા અન્ય બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટના સ્થળથી દૂર રહેવા જણાવાયું છે. આ સાથે ડોક્ટરોની ટીમ અને સહાયકકર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતાં  જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ કડી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 12 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા મૃતદેહોમાં 8 જેટલાં ડોક્ટરો હોવાની જાણકારી મળી રહી છે.

Advertisement
error: Content is protected !!