ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથકની હદમાં બે સ્થળે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે દરોડો પાડી કુલ ૧૦ જુગારિયાઓને ઝડપી પાડયા હતા. જયારે બે નાસી છુટા હતા. ટીમોએ કુલ ૩૩ હજારથી વધુની રોકડ, ૪ મોબાઈલ સહીત કુલ ૫૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચના ધોબીતળાવ લીંબુ છાપરી વિસ્તારમાં રહેતો જશવંત શના વસાવા તેના ઘરમાં બહારથી માણસો બોલાવીને જુગારની મહેફીલ જમાવે છે તેવી ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી. 
જેના પગલે ટીમે સ્થળ પર પહોંચી તેના ઘરને કોર્ડન કર્યુ હતુ. દરમ્યાનમાં તેના ઘરમાં પ્રવેશતા કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાનું માલુ પડતા ટીમે તેમની ધરપકડ કરી તેના નામઠામ પુછતા તેમના નામ જશવંત શના વસાવા, લુકમાન સિદ્દીક શેખ, પુર્વેશ ખોડા વસાવા, જગદીશ મનુ વસાવા, કૌશીક અશોક વસાવા, ગૌતમ ક્રમલેશ વસાવા તેમજ અલ્પેશ સોમા વસવા હોવાનું માલુમ પડયુ હતુ. ટીમે સ્થળ દાવપરના તેમજ તેમની અંગ ઝડતીમાંથી મળેલા રૂપિયા મળી કુલ ૨૯ હજારથી વધુની રોકડ તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ ૪૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં ભરૂચ બી.ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીયામાં દોડધામ મચી ગઈ હતી. જોકે તે પૈકીના ટીનુ પનિયા વસાવા, મોતીલાલ વસાવા, અશોક સુકા ચુડાસમા પોલીસના હાથમાં સપડાઈ ગયા હતા. ટીમે તેમની પાસેથી કુલ ૪ હજાર રોકડા તેમજ ૧ મોબાઈલ મળી કુલ ૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈને ચકમો આપી નાસી છુટેલા બે જણા અંગે પુછતા તેમના નામ છોટુ વસાવા તેમજ દેવો પ્રવિણ માછી હોવાનું માલુમ પડતા ટીમે તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

