Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યનાં 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિનાં 44.18 ટકા જળ સંગ્રહ

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. સરકારે ‘સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન’, ‘નલ સે જલ અભિયાન’ જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાને કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે રાજ્યના 06 જળાશયો 70 થી 100 ટકા, 20 જળાશયો 50 થી 70 ટકા તેમજ 71 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!