આણંદનાં ખંભાત નજીક હાથિયા ખાડ પાસે ચેક ડેમ બનાવવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા. રેસ્ક્યૂ કરી એક શ્રમિકને બચાવી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, આણંદ અને ખેડા જિલ્લાના મુખ્ય કાંસના પાણીને ખંભાતના દરિયામાં નાખવા માટે ખંભાત નજીક હાથિયા ખાડ પાસે ચેક ડેમ અને ગરનાળું બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે જયેશ એજન્સી અમદાવાદને રૂા. ૫.૫૦ કરોડના ખર્ચે બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ચેક ડેમ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 
ત્યારે શુક્રવારે સવારના સુમારે સેન્ટિંગની કામગીરી દરમિયાન શ્રમિકો દ્વારા પ્લેટો લગાવવામાં આવી રહી હતી. ત્યારે નજીકમાં આવેલી ભેખડ એકાએક ધસી પડતા બે શ્રમિકો દટાઇ ગયા હતા. આ ઘટનાને લઇ આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. માટીની ભેખડ નીચેથી દબાયેલા શ્રમિકોના બચાવની કામગીરી કરવામાં આવી હતી. ભેખડ નીચે દબાયેલા શ્રમિકને રેસ્ક્યુ કરી બચાવી સારવાર અર્થે ખસેડાયો હતો.
નેપાળના દીઠાપૂર ગામના રાકેશભાઈ લખનરામ ચૌહાણ નામના શ્રમિકને ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશના પવનકુમાર જવાહરલાલ પાસવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા અધિકારીઓ સહિત ખંભાત ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક શ્રમિકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કોઈપણ જાતની સેફ્ટીના સાધનો વિના ચેકડેમની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

