સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ઘંટોલી ગામની સીમમાં ટ્રેલરે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. ત્યારે પુત્ર સાથે મોપેડ પર બેઠેલી માતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ચલાવતા બારડોલીનાં પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. માતા પોતાના પુત્ર સાથે માંડવી તેની પુત્રીને મળવા માટે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં ચુનાવાડી ગામના અને હાલ બારડોલીનાં અસ્તાનજીન વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતો પ્રમેશભાઈ પ્રમોદભાઈ ચૌધરી (ઉ.વ.૨૪) મજૂરી કામ કરે છે અને તેની માતા ભાનુબેન ચૌધરી (ઉ.વ.૫૫), પત્ની પુનમબેન (ઉ.વ.૨૧) અને નાની બહેન પ્રતિમા સાથે રહે છે. બુધવારે સવારના સમયે પ્રમેશ તેની માતા ભાનુબેન સાથે એક્ટિવા મોપેડ પર બારડોલીથી માંડવી તાલુકાનાં લુહારવાડ ગામે રહેતી મોટી બહેન પ્રીતિબેનનાં ઘરે જવા માટે નીકળ્યા હતા. પ્રમેશ મોપેડ ચલાવી રહ્યો હતો. તેઓ માંડવી ઝંખવાવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઘંટોલી ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલર નંબર ડીડી ૦૧ એસ ૯૨૭૭નો ચાલકે એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ચાલક પ્રમેશને કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે પાછળ બેસેલી તેની માતા ભાનુબેનને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજયું હતું.

