નવસારીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. પીએસઆઈ એ.એમ. વસાવાએ પ્રોહિબિશનના આરોપી પાસે જામીન મુક્ત કરવા માટે લાંચ માગી હતી.આ લાંચની રકમ રૂપિયા ૪૦ હજાર કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને આપવા જણાવ્યું હતું અને પીએસઆઈ વતી લાંચ સ્વીકારતો કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જ ACBએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે.જો કે ACB ટ્રેપ થતાં હાલમાં પીએસઆઇ વસાવા ફરાર થઈ ગયા છે.
મળતી વિગતો અનુસાર આ કામના ફરીયાદીનું નામ પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હોય જે કામે ફરીયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી અમૃતભાઇ મગનભાઇ વસાવાએ ૪૦ હજારની માગણી કરી હતી. જે લાંચની રકમ આરોપી ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડને આપી દેવા જણાવ્યું હતું.
આ લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હતા અને ACBનો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપી હતી, જેના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરીને લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે આરોપી અમૃતભાઇ મગનભાઇ વસાવા સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડને લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપરથી પકડી લેવામાં આવ્યા છે.

