એક તરફ સરહદીય વિસ્તારોમાં તણાવભરી સ્થિતિ છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આગોતરા પગલા લેવા માટે બેઠકો બોલાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો દ્વારા રાષ્ટ્રીય લાગણી દુભાય તેવા અને સેનાનું મનોબળ નબળું પડે તેવા કૃત્યો કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ભ્રામક અને ખોટી વિગતો શેર કરવામાં આવી રહી છે. જેની સામે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો ગુજરાત પોલીસનો સાયબર વિભાગ આ બાબતે રાખી રહ્યું છે સતત નજર.
ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી જેમાં ડીજીપી અને સાયબર સેલના અધિકારીઓ જોડાયા હતા, તો સાયબર વિભાગની ટીમ આ બાબતે ચાંપતી નજર રાખી રહી છે, દેશ વિરોધી પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી થશે અને ગુજરાત પોલીસે આ બાબતે 4 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે, આર્મી મુવમેન્ટની પોસ્ટ કરનારા સામે પણ કાર્યવાહી થશે તેવી માહિતી સામે આવી છે, પોલીસ વિભાગના સો. મીડિયા પર નજર રાખી રહ્યું છે.
ફવાદ ખાનની ફિલ્મ પર મુકાયો પ્રતિબંધ : આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંને દેશો વચ્ચે યુદ્ધ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારતે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર-ગુલાલની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે કે મોટા પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં દેખાતા નથી. તેમાં હાનિયા આમિર, માહિરા ખાન, આયેઝા ખાન, ઈકરા અઝીઝ જેવા ઘણા મોટા નામનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીને કારણે કલાકારોના ફેન્સ ખુબ જ આશ્ચર્યચકિત છે અને સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે ?
કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દેખાતા બંધ થયા : માહિરા ખાન, આયેઝા ખાન, હાનિયા આમિર, ઈકરા અઝીઝ, સજલ અલી જેવા પાકિસ્તાની સ્ટાર્સનું ભારતમાં ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. ભારતમાં પાકિસ્તાની સિરિયલોના ઘણા ચાહકો છે. હમસફર, મેરે હમસફર, ખુદા ઔર મોહબ્બત જેવા શો ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જોકે, હવે ફેન્સ તેમના મનપસંદ સ્ટાર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ જોઈ શકતા નથી, જેના કારણે તેઓ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા છે.

