લોકો અત્યારે નાની નાની વાતોમાં આત્મઘાતી પગલા ભરી દે છે. અમદાવાદ શહેરમાં ફરી એક આત્મહત્યાનો બનાવ બન્યો છે. શહેરના વીએસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એનએચએલ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વિદ્યાર્થિનીએ કયા કારણસર આપઘાત કર્યો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
એનએચએલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર 424માં અન્ય વિદ્યાર્થિની સાથે રહેતી હતી. શુક્રવાર રાતના સમયે વિદ્યાર્થિનીએ તેની મિત્ર બહાર જતા રૂમનો દરવાજો બંધ કરી 10 વાગ્યાની આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીની મિત્ર રૂમ પર પરત આવતા રૂમ બંધ હોવાથી તપાસ કરતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ થઈ હતી. યુવતીના પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.સમગ્ર બનાવની જાણ થતા જ કોલેજ પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતકનો મોબાઈલ નંબર કબજે કરી પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
