Explore

Search

April 9, 2025

Contact us -7820092500

IAS Coaching

ગુજરાતમાં પેટીએમ સાઉન્ડ બોક્સના નામે ઠગતી ટોળકી ઝડપાઈ : 500 દુકાનદારોને આશરે 2 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો

સાયબર ઠગો લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ગુજરાતમાં પેટીએમ સાઉન્ડ બોક્સના નામે દુકાનદારોને ઠગતી ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી હતી. છ આરોપીઓએ દોઢ વર્ષમાં ગુજરાતના 10થી વધુ શહેર અને જિલ્લામાં 500 દુકાનદારોને આશરે 2 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હતો.

સાયબર ક્રાઈમ બ્રાંચના એસીપી ડૉ. હાર્દિક માંકડીયાએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓમાં બ્રિજેશ પટેલ (ઉ.વ.30), ડીલક્ષ ઉર્ફે ડબુ સુથાર (ઉ.વ.27), પ્રીતમ સુથાર (ઉ.વ.26) મુખ્ય આરોપીઓ હતા. જ્યારે ગોવિંદ ખટીક (ઉ.વ.23), પરાગ ઉર્પે રવિ મિસ્ત્રી (ઉ.વ.24) અને રાજ પટેલ (ઉ.વ.28) તેના સાથીઓ હતા. બે મહિના પહેલા મોહસિન પટેલ (ઉ.વ.39) અને સદ્દામ પઠાણ (ઉ.વ.31) અને સલમાન શેખ (ઉ.વ.25)ને ઝડપવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં સામે આવેલી વિગત બાદ આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા.આ ટોળકીએ ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કડી, કલોલ, ઉંઝા, મહેસાણા, બારેજા, બારેજડી, સુરેન્દ્રનગર, લીમડી, બગોદરા, પાલનપુર, ચાંગોદર, વાવોલ, અડાલજના દુકાનદારોને નિશાન બનાવ્યા હતા. તેમણે 10,000થી લઈ 6 લાખ સુધીની રકમ પડાવી હતી. તેઓ વૃદ્ધો, ઓછું ભણેલા લોકોને જ નિશાન બનાવતા હતા.

આરોપી બ્રિજેશ પહેલા પેટીએમમાં કામ કરતો હતો. પરંતુ છેતરપિંડીના કારણે તેને કાઢી મુકવામાં આવ્યો હતો. તેણે પેટીએમના અન્ય કર્મચારીઓ સાથે મળીને ટીમ બનાવી હતી. પેટીએમ સાઉન્ડ બોક્સ ધારક દુકાનદારોને નિશાન બનાવ્યા હતા. તેઓ દુકાનદારોને પેટીએમમાંથી આવ્યા છીએ તેમ કહેતા હતા. જે બાદ 99 રૂપિયાનું ભાડું ઘટાડીને 1 રૂપિયા કરી દીધું છે તેમ કહીને પ્રોસેસ કરવાના નામ પર દુકાનદારનો મોબાઈલ લઈને પિન નંબર જાણી લેતા હતા. બાદમાં તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ડિસેમ્બર 2024માં અરજીકર્તાના ખાતામાંથી છ લાખ ઉપાડી લીધા હતા. આ ટોળકી પહેલા ગેમિંગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. થોડી ગેમ રમીને બાકી પૈસા ડમી એકાઉન્ટમાં મોકલીને ઉપાડી લેવામાં આવતા હતા. ડમી બેન્ક એકાઉન્ટ ધારકને 30 ટકા રકમ આફતા અને 70 ટકા રકમ ટોળકી રાખતી હતી. આ રીતે તેમણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

Advertisement
error: Content is protected !!