ડોલવણના કુંભીયામાં પાડોશમાં રહેતા પરિવારના યુવાને જ વારંવારના ઝઘડો તથા ગાળાગાળીથી કંટાળી ને ૬૦ વર્ષીય આધેડને માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી. જોકે આ હત્યાના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
ડોલવણ તાલુકાના કુંભીયા ગામના રહીશ રમેશભાઈ ચીમનભાઈ ચૌધરીની ગત તારીખ 23મી માર્ચે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે કોઇક વસ્તુ વડે માથાના ભાગે ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે નોંધાઈ હતી. આ મામલે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એસઓજી તેમજ ડોલવણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પીઆઈ ડી.એસ ગોહિલની સૂચના મુજબ જુદીજુદી ટીમ બનાવી ખાનગી બાતમીદારો રોકીને તપાસ હાથ ધરાઈ હતી. ખાનગી બાતમીદારોએ આપેલી માહિતી મુજબ શકદાર તરીકે કૌશિક ગણેશભાઈ ચૌધરીને યુક્તિ-પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેનાં માતા-પિતા સાથે વારંવાર ઝઘડા તથા ગાળાગાળી કરતા આધેડ ને તેણે માથાના ભાગે લાકડાના સપાટા મારી મોત નીપજાવ્યું હતું.
આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછમાં આમલીના ઝાડની ડાળી કાપતી વખતે પડી જતા નળિયા તૂટી ગયા હતા. જેને લઇને વારંવાર રમેશ ચૌધરી કૌશિકભાઇનાં માતા-પિતાને વારંવાર ગાળો આપતો રહેતો હતો. જે અંગે કૌશિકને લાગી આવતા જેણે આધેડ ને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ રાત્રિ દરમિયાન ડાંગરના પૂળિયા પાસે દંડો લઇને સંતાઇ રહ્યો હતો. આધેડ સાંજના સમયે પૂળિયા લેવા આવ્યા તે જે સમયે કૌશિકે આધેડ ને માથાના ભાગે લાકડાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી.
