તાપી જિલ્લામાં બુધવારે માંડલ ટોલનાકા ખાતે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરાયેલ અંદોલન એકાએક ઉગ્ર બનતા મામલો ગરમાયો હતો.આ આંદોલનમાં પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી સહિત આદિવાસી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માગ સાથે ટોલનાકાનો ઘેરાવો કર્યો હતો.આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.જોકે ટોલનાકાના સંચાલકો તરફથી બપોર સુધી કોઇપણ પ્રકારનો જવાબ ન મળતા આંદોલનકારીઓએ ૬ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો.
સોનગઢ માંડળ ગામના ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો ને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે મોટા પાયે આંદોલનની શરૂઆત કરાઇ છે,જે બાબતે બંધ ના એલાન ને પગલે સોનગઢ નગરના લોકોએ પોતાના તમામ કામો રોકી સજ્જડ બંધ પાળી ટોલ મુક્તિ આંદોલનને સહકાર આપ્યો હતો. તા.૨૬મી માર્ચ નારોજ સવારથી સ્થાનિકો સોનગઢના માંડલ ગામે આવેલા હજીરા-સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતા અને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માગ છે કે ટોલ પ્લાઝામાંના ટેક્સમાંથી આ વિસ્તારના સ્થાનિકોને મુક્તિ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.જોકે મોડેમોડેથી આવેલા NHAI ના અધિકારીઓ અને ટોલ પ્લાઝાના મેનેજર તેમજ આંદોલનકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં ટોલ મુક્તિ મામલે ચાલેલી રકઝક બાદ પણ કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નહતો.આ દરમિયાન પોલીસ દ્વારા જબરજસ્તીથી હાઈવેનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
હજીરા-સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડલ ગામે આવેલ ટોલ નાકા પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પોલીસે આગોતરી માહિતીના આધારે સોનગઢ નગરના કેટલાક સ્થાનિકોને નજરકેદમાં રાખ્યા હતા, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ટોલનાકા પર એકત્રિત થયા હતા. આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જોકે છ કલાક બાદ પોલીસે બળપ્રયોગ કરી આંદોલન કારી નેતાઓને ડીટેઈન કર્યા હતા અને છ કલાકના સમય બાદ નેશનલ હાઇવે નંબર 53 પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
આંદોલનમાં પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પણ જોડાયા : પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ પણ આ બાબતે રસ્તા પર સુઈ જઈ વિરોધ કર્યો હતો. છ કલાક બાદ ટ્રાફિક જામ થતા પોલીસે બળપ્રયોગ કરી માજી સાંસદ અમરસિંહ ચૌધરી, એડવોકેટ નીતિન પ્રધાન સહિત અનેક આગેવાનોને ડીટેઈન કરી લોકોને વિખેરી નાખ્યા હતા અને ટ્રાફિક શરૂ કરાયો હતો. ત્યારે તાપી કલેકટર દ્વારા પણ NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ માંડલ ટોલ પ્લાઝાના મેનેજરને નોટિસ આપી આ મામલે તેઓ ને જવાબદાર ઠેરવ્યા હતા.
મોરારિબાપુની વાતને પૂર્વ સાંસદ અમરસિંહ ચોધરીએ નકારી : માંડલ ટોલનાકા પર બુધવારે સ્થાનિકોએ જોરદાર વિરોધપ્રદર્શન કર્યું હતું. આ વિરોધપ્રદર્શનમાં આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પણ જોડાયા હતા. તેમણે મોરારિબાપુના ધર્માંતરણના નિવેદન અંગે કહ્યું હતું કે મોરારિબાપુએ કથામાં આપેલું નિવેદન એકદમ ખોટું છે. અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી.
