સોનગઢનાં ગુણસદા ગામના વિસ્તારમાંથી એક દીપડી મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું,સોનગઢ વન વિભાગના આરએફઓ સહીત વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ આરંભી હતી.
વન અધિકારીના જણાવ્યા અનુસાર તા.૨૩મી માર્ચ નારોજ વ્યારા વન વિભાગ હેઠળ આવેલ ક્ષેત્રિય રેન્જ ફોર્ટ સોનગઢનાં કાર્યવિસ્તાર, ગુણસદા રાઉન્ડ, ગુણસદા બીટમાં આવેલ ગુણસદા ગામનાં રેવન્યુ વિસ્તાર (ખેતર) માં મૃત હાલતમાં એક દીપડો પડ્યો હોવાની જાણ થતા સોનગઢ ફિલ્ડનો સ્ટાફ તાત્કાલિક બનવા સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા દીપડીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ,
નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતાં આશરે દોઢ થી બે વર્ષનો વન્યપ્રાણી દીપડી મૃત હાલતમાં મળી આવી હતી. જેને કીકાકુઈ વન્યપ્રાણી રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવી વેટેનરી ડોક્ટર પાસે પી.એમ. કરાવ્યા બાદ પી.એમ. રીપોર્ટ અનુસાર દીપડી નું મૃત થવાનું કારણ કુદરતી હોવાનું જાણવા મળ્યું હતું,બાદ મૃત દીપડીને ફોર્ટ સોનગઢ રેન્જનાં પરિક્ષેત્ર વન અધિકારી અને તમામ ફિલ્ડ સ્ટાફ રૂબરૂ કીકાકુઈ ખાતે હાજર રહી નિયમોનુસાર અગ્નિદાહ આપી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
