Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરે કોડ યાદ રાખી ૧૧ લાખના હીરા ચોર્યા

સુરત શહેરના કાપોદ્રામાં હીરાના કારખાનામાં કોડ નંબર સાથે ચાવીવાળી સેફમાંથી ૧૧ લાખના હીરા ચોરી કરવામાં, ત્યાં જ છ મહિનાથી રત્નકલાકાર તરીકે નોકરી કરતો મધ્ય પ્રદેશનો યુવક સફળ થયો હતો. મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વતની અને હાલ હીરાબાગ શિવમ એવન્યુમાં રહેતા જિગ્નેશ તલશીભાઇ વઘાસીયા સાથે કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં હીરાનું કારખાનું ધરાવે છે.

કાચા ફોર પી હીરા મંગાવી તેનું પોલિશિંગનું કામ કરતા આ પિતા-પુત્રના કારખાનામાં કુલ ૧૬ કારીગર કામ કરે છે. મોટે ભાગનું કામ કતારગામની એક એક્સપોર્ટ કંપનીનું તથા ડોડા બ્રધર્સનું હોય છે. કારખાનું સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી ચલાવવામાં આવે છે.

ધુળેટીની રજા બાદ શનિવારે કારખાનું ખોલવામાં આવતાં ૧૪ કારીગરો કામ ઉપર આવ્યા હતા. બે ગેરહાજર હતા. જેમાંથી આકાશ શાક્ય તો કારખાનામાં જ રહેતો હતો. કારખાનું ખોલ્યા બાદ તેમને કામ માટે હીરા આપી શકાય તે માટે તિજોરી ખોલવામાં આવી ત્યારે આ જિગ્નેશભાઇનું મોં ખુલ્લું રહી ગયું હતું. મજબૂત તિજોરીમાંથી ૧૧ લાખની કિંમતના ૨૪૪૬ નંગ હીરા ચોરી થઇ ગયા હતા. થોડીક રોકડ પણ ગુમ હતી. મામલો ગંભીર હોઇ ત્વરિત પોલીસને જાણ કરવામાં આવતાં કાપોદ્રા પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.

મજબૂત તિજોરી ચાવીથી લોક કરવાની સાથે ચોક્કસ નંબરના કોડથી ખૂલતી હતી. આ સંજોગોમાં તે ખૂલી કઈ રીતે તેને લઈ તપાસ કરવામાં આવતાં ગેરહાજર બે પૈકી એક રત્નકલાકાર આકાશનો ફોન બંધ આવતો હતો. બારેક દિવસ પહેલાં આંખના નંબરને કારણે જિગ્નેશભાઇના પિતાને તિજોરી ખોલવામાં તકલીફ પડતી હોઈ આકાશે પોતાના મોબાઇલથી ટોર્ચ કરી મદદ કરી હતી. તે વખતે જ તેણે સિક્રેટ નંબર જાણી લીધો હતો. આ જ સમયગાળામાં કોઇ પણ રીતે તેણે ચાવી ચોરીને તેની ડુપ્લિકેટ બનાવી લીધાની શંકા પોલીસ સેવી રહી છે.

Advertisement
error: Content is protected !!