સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં. સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે.
સોનગઢમાં ધર્મપરિવર્તન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનો જે ભોળાભાળા ભગવાનનું બીજું સ્વરૂપ છે. એવા મારા આદિવાસી ભાઈ-બહેનોને કોઈ ફોસલાવી, કોઈ પણ પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતા પૂર્વક પગલાં લે છે અને લેશે. આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ સાથે જોડાયેલો વિસ્તાર, પરંતુ આવા ભોળાભાળા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મપરિવર્તન ના વિષય ની અંદર જો કોઈ પણ પ્રકારે, કોઈ પણ ગામમાં, જો ખોટી રીતે ફસાવવામાં આવશે. તો સરકારી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં કહ્યું હતું કે, મોરારી બાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં દર વર્ષે એક કથા કરવાની જે વાત કરી છે તેનો આભાર માનું છું.
આ પ્રસંગે મોરારી બાપુએ આભાર વ્યક્ત કરતા એક આદિવાસી ભાઈનો પત્ર વાંચ્યો. જેમાં મિશનરીઓ દ્વારા સેલવાસ અને દમણમાં બાળકોને અભ્યાસ અર્થે લઈ જઈ ધર્મ પરિવર્તન કરાતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે સરકારી શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાથી લોકો મજબૂરીમાં મિશનરીઓનો સહારો લે છે. જે પત્ર વાંચી મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં સરકારના સહયોગથી જે કોઈ શાળાઓ બનાવશે તેં તમામને 1 લાખ રૂપિયા સખાવત આપવાની વ્યાસપીઠ પરથી જાહેરાત કરી છે.
