ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે તા. ૭/૩/૨૦૨૫ના રોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર અને શ્રીમતી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતીમાં તાપી કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં તાપી જીલ્લાના તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ,સહિત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ,ધાર્મિક સંસ્થાના વડાઓ, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, નાગરિકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સમાન સિવિલ કોડના ઉપસ્થિત સભ્યશ્રીઓએ તાપી જિલ્લાના કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, ધાર્મિક સંસ્થાના વડાઓ, વિવિધ સમાજના આગેવાનો,નાગરિકો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઈન રિલેશનશિપ ની નોધણી બાબતે વિવિધ મંતવ્યો મેળવ્યા હતા.સમાન સિવિલ કોડના સભ્યશ્રી દક્ષેસ ઠાકરે સૌ આદિવાસી અગેવાનો,સમાજકર્તાઓ સહિત નાગરિકોને જણાવ્યું હતુ કે સમાન નાગરિક સંહિતા આદિવાસી સમુદાયની નીતિઓ, નિયમો, રિવાજો અને કાયદાઓનું રક્ષણ કરશે, ખાતરી કરશે કે તેમના અધિકારો અને રિવાજો અપ્રભાવિત રહે.વધુંમાં ઉમેર્યુ હતુ કે આ કાયદાથી સમાજના રિતી-રિવાજો બદલાશે નહિ પરંતુ જ્યારે કોઇ પણ સમાજના લગ્ન થાય તો એની નોંધણી કરવી જરુરી છે. સમાજ બદલાય તેમ કાયદાઓમાં પણ બદલાવ જરુરી છે એવુ સરકાર માને છે.તેથી આ વિષયો ઉપર વિવિધ મંતવ્યો-સુચનો અગત્યઆ બની રહે છે એમ ઉમેર્યું હતું.
નોધનિય છે કે,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરી છે. જે સમિતિમાં શ્રી સી. એલ. મીના આઈ.એ.એસ. (નિવૃત્ત), શ્રી આર.સી.કોડેકર વરિષ્ઠ એડવોકેટ, શ્રી દક્ષેસ ઠાકર પૂર્વ વાઈસ ચાન્સેલર (VNSGU) અને સુશ્રી ગીતાબેન શ્રોફ સામાજિક કાર્યકર સભ્યો છે.
આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરવામાં આવી રહી છે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે. જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે. ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા બાબતે વિચારણા કરાશે. છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો બાબતે બધા સમુદાયોમાં એક સમાન કાયદો/આધાર કરવા અંગે વિચારણા કરાશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે, સમિતિ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં ઈ-મેલ (ucc@gujarat.gov.in) અથવા વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ (સરનામું – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો રજૂ કરવા અપીલ કરી છે.
