સુરત શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયરબ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લઈને અસરગ્રસ્ત વેપારીઓને મળ્યા હતા, આ તકે તેમણે વેપારીઓને સાંત્વના આપી ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ‘નુકસાન થયું છે, પણ હિંમત ન હારવા’નો વેપારીઓને અનુરોધ કરી કહ્યું કે, સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે.
સરકાર વેપારીઓની પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર, ફોસ્ટા અને સુરત મહાનગરપાલિકા નુકસાનીનો સર્વે, ઈન્સ્યોરન્સ ક્લેઈમ, બળેલા માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું મંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું હતું. તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી.
