સુરત શહેરના વેસુના સુમન સાગર રેસિડેન્સીના એક ફ્લેટમાં દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે ફ્લેટનો દરવાજો ખોલતો ૫૮ વર્ષીય વૃદ્ધ યુનિયન બેંકના સિક્યુરિટી ગાર્ડ ખુરશી પર બેસેલા સડી ગયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. પોલીસે પીએમ કરાવતા વૃદ્ધનું ત્રણ દિવસ પહેલા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ માંડવીના વતની અને હાલ વેસુ વિસ્તારમાં આવેલ સુમન સાગર રેસિડેન્સીમાં રહેતા ૫૮ વર્ષીય સતીશભાઈ નવાભાઈ વસાવા અઠવાની યુનિયન બેંકમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.તેનો પુત્ર છોટાઉદેપુરમાં રહે છે.સતીશભાઈના ફ્લેટમાં શનિવારે સાંજે દુર્ગંધ આવવા લાગતા સ્થાનિક રહીશોએ ફ્લેટના માલિકને જાણ કરી હતી.તેણે સતીશભાઈને કોલ કરતા ફોન લાગતો ન હોવાથી બેંકમાં જઈને તપાસ કરતા તેઓ બે દિવસથી કામ નહીં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.બાદમાં વેસુ પોલીસને જાણ કરતા પોલીસકર્મી એ સ્થળ પર આવીને ફ્લેટનો દરવાજો ખોલતા સતીશભાઈ ખુરશી પર બેસેલા સડી ગયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. સ્થાનિકોએ દૃશ્યો જોતા જ ગભરાઇ ગયા અને પોલીસે મૃતહેદને નવી સિવિલ પીએમ માટે મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટમાં શંકાસ્પદ મોત નહીં જણાતા અને ત્રણ દિવસ પહેલા મોત થયું હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું.બનાવને લઇને વેસુ પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.

