નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત પેટા ચુંટણી માટે ૩૭ મથકો પર મતદાન તા.૧૬મી ફેબ્રુઆરી રવિવાર નારોજ સવારે ૭ કલાકે મતદાન શરુ થશે
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ યોજાય તે માટે અપીલ કરવામાં આવી : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ યોજાય તે માટે અપીલ કરવામાં આવી છે.રાજ્ય ચુંટણી આયોગ દ્વારા તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૫ અને નિઝર -કુકરમુંડા તાલુકા પંચાયત પેટા ચુંટણી-૨૦૨૫ યોજાવાની છે.
સવારે ૭ કલાકથી શરુ : આ ચુંટણી માટે મતદાન આવતીકાલે એટલે તા.૧૬મી ફેબ્રુઆરી ની સવારે ૭ કલાકથી શરુ થશે. કુલ ૩૭ મતદાન મથકો પર નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચુંટણી યોજાશે.
સોનગઢ નગરપાલિકામાં કુલ ૨૫ મતદાન મથકો : તાપી જીલ્લામાં સોનગઢ નગરપાલિકામાં કુલ ૨૫ મતદાન મથકો, નિઝર તાલુકા પંચાયતની પેટા ચુંટણીના સરવાળા અને શોલેના કુલ ૧૦ મથકો પર તેમજ કુકરમુંડા પંચાયતોની પેટા ચુંટણીના ફૂલવાડીના ૦૨ કેન્દ્રો પર ચુંટણી પ્રક્રિયા કરવામાં આવશે.
સોનગઢમાં ૨૫ મતદાન મથકો પર ૨૩૩૧૫ મતદારો નોંધાયેલા છે : સોનગઢમાં ૨૫ મતદાન મથકો પર ૨૩૩૧૫ મતદારો નોંધાયેલા છે તેમજ ૬ સર્વિસ મતદારો નોધાયેલા છે. જયારે નિઝર અને કુકરમુંડાની બેઠકોના કુલ ૧૧૯૪૩ મતદારો તેમજ ૨ સર્વિસ મતદારો નોંધાયેલ છે.
અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવશે : કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર તેમજ પોસ્ટલ બેલેટ, પ્રચાર-પ્રસાર, ટ્રાન્સપોર્ટેશન, ડેશબોંડની કામગીરી, તાલીમની કામગીરી, મતદાર જાગૃતિ કાર્યક્રમ, ચુંટણી ખર્ચ દેખરેખ, પોલીંગ સ્ટાફ અને મેન પાવર, ઓબ્સર્વરની નોડલ કામગીરી, મટીરીયલ વ્યવસ્થાપન વગેરે જેવી વિવિધ ટુકડીઓનું ગઠન ચુંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવશે.
રીઝર્વ ઈવીએમ મશીન સેટ પણ શામેલ : જિલ્લામાં કુલ ૩૭ મતદાન મથકો પર ૮૨ બેલેટ યુનિટ અને ૫૦ કન્ટ્રોલ યુનિટ મથકો પર પહોચાડવામાં આવ્યા છે જેમાં રીઝર્વ ઈવીએમ મશીન સેટ પણ શામેલ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને તેમજ મતદારોને મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે જોડાવા અપીલ કરવામાં આવી છે. આ ચુંટણીની મત ગણતરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.

