વ્યારા શહેરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના સરકારના નિર્ણય સામે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિશન નાકા વિસ્તારથી શરૂ થયેલી વિરોધ રેલીમાં ધારાસભ્ય સહીત અન્ય આગેવાનો જોડાયા હતા.
વિદ્યાર્થીનીઓએ સેવાસદન ખાતે ધરણા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ચેતવણી આપી હતી કે, જો સરકાર શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો આગામી તારીખ 26 જાન્યુઆરીએ યોજાનાર રાજ્યકક્ષાના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે હાજર રહી વિરોધ નોંધાવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન બીરસા મુંડા યુનિવર્સિટી, નર્મદા ખાતે આદિવાસીઓ માટે ભરતી પ્રક્રિયામાં અનામત બેઠકો ન રાખવાના નિર્ણય સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓએ સરકારના બંને નિર્ણયો સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.

