નવસારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કોન્ટ્રાક્ટર્સની મીલી ભગતમાં ટેન્ડરીંગની પ્રક્રિયા અનુસર્યા વિના ખોટા કામોના બિલો મુકીને રૂપિયા 12.44 કરોડની ઉચાપત પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ દશ આરોપીઓ બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે સુરત સેશન્સ કોર્ટમાં રજુ કર્યા હતા.જેથી કોર્ટે આરોપીઓને તા.25મી જુલાઈ સુધીના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.
સીઆઈડી ક્રાઈમ નવસારી જિલ્લાના કુલ ૫૪ જેટલા ગામોમાં નહીં કરેલા કામોના ખોટા બીલો મુકીને કુલ 5.48 કરોડની નાણાંકીય ઉચાપતના કારસામાં સંડોવાયેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા ઈજારેદાર મળીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જેની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઈમે મૂળ બિહારના કટીહાર જિલ્લાના વતની તત્કાલીન એકાઉન્ટન્ટ આરોપી રાજેશ કુમાર ફનીભુષણ ઝા(રે.રાજહંસ પ્લેટીનમ રેસીડેન્સી, પાલનપુર કેનાલ રોડ)કોન્ટ્રાક્ટ્ર મિતેશ નરેન્દ્ર શાહ(રે.ભુરી હાઉસ એપાર્ટમેન્ટ,બંદર રોડ બીલીમોરા),ચિરાગ બીપીનભાઈ પટેલ(રે.કુંભારવાડ ફળીયું,ધમડાછા તા.ગણદેવી)ની ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓને સુરત સેશન્સ કોર્ટમાં રજુ કરીને સીઆઈડી ક્રાઈમના એસીપી એ.એમ.કેપ્ટને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન એપીપી ભરતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કુલ 6 ઈજારેદાર તથા સાત જાહેર સેવકોએ એકબીજાના મેળા પિપણામાં કુલ 90 કામ થયા ન હોવા છતાં એકાઉન્ટમાં સરકારી રકમ જમા કરાવી ગુનાઈત ષડયંત્ર આચર્યું છે.તેમણે ખોટા બીલો કેવી રીતે બનાવ્યા છે? સરકારી નાણાંની મોટી ઉચાપત કરી વેન્ડરના ખાતામાં નાણાં જમા કરાવ્યા છે.જે સરકારી નાણાં કોની પાસે કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યા છે તેની તપાસ કરી નાણાં રીકવર કરવાના છે.આરોપીઓને સાથે રાખીને વિવિઘ સરકારી કચેરીઓના દસ્તાવેજી પુરાવાઓની ક્રોસ વેરીફિકેશન કરવાનું છે.આરોપીઓ દસ્તાવેજી પુરાવા રેકર્ડ કોના કહેવાથી કેવી રીતે નાશ કર્યો કે છુપાવ્યો છે તેની વિગતો મેળવી ગુનાના કામે કબજે કરવાના છે.આરોપી મિતેશ શાહના નિવેદનમાં અલગ અલગ સરકારી નાણાંના ગેર વહીવટ બાબતે અધિકારીની સંડોવણી અંગે છણાવટ કરી હોઈ આરોપીઓને સાથે રાખી તપાસ કરવાની છે.આરોપી મિતેશ શાહના રહેઠાણ પરથી કોમ્પ્યુટર સાથે ફરિયાદમાં જણાવેલા અધિકારીઓને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે.આરોપીઓએ સરકારના રીજુવીનેશન ટ્રાયબલ કાર્યક્રમ હેઠળ ઉપયોગમાં લેવામાં આવેલા નાણાં બનાવટી બીલો બનાવી સરકારી નાણાંનો દુરુઉપયોગ કર્યો હોઈ બનાવી બીલો અંગે માહીતી મેળવી કબજે કરવાના છે.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીઓને 25મી જુલાઈ સુધી રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

