મહેસાણા : મહેસાણાનાં કડી આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. 4 કબૂતરબાજ એજન્ટ, બે વ્યાજખોર અને મકાન પડાવનાર 4 ઇસમોનાં ત્રાસથી કંટાળીને એક યુવકે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં કુલ 10 લોકો સામે ફરિયાદ થતાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, કડી નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરનાર યુવક અનિલ વાળંદ મિડિયેટર તરીકે કામ કરતા હતા. અનિલ વાળંદે વિદેશ વાંચ્છુકો પાસેથી રૂપિયા લીધા હતા અને કબૂતરબાજ એજન્ટોને રૂ. 70 લાખ આપ્યા હતા. જો કે, રૂપિયા ફસાઈ જતાં ચુકવણી કરવા રૂ. 25 લાખ વ્યાજે લીધા હતા. પરંતું, સવા કરોડ રૂપિયાની ચૂકવણી કરવા છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બીજા રૂ. 50 થી 60 લાખ વ્યાજખોરો માગતા હતા. વ્યાજખોરોને રૂપિયા ચુકવવા માટે અનિલભાઈએ મકાન પણ વેચી દીધું હતું.
જો કે, મકાનનો સ્ટેમ્પ કરી દીધો પરંતુ સામે રૂપિયા ન મળ્યા નહોતા. ધમકી આપીને મકાનનો સ્ટેમ્પ કરાવી લીધો પરંતુ રૂપિયા ન આપતા અનિલ વાળંદ ખૂબ જ આર્થિક ભીંસમાં ફસાઈ ગયા હતા. આખરે ત્રાસથી કંટાળીને અનિલભાઈએ આપઘાત કરીને જીવ ટુંકાવ્યો હતો. આ મામલે હવે ચાર કબૂતરબાજ, બે વ્યાજખોર અને મકાનનો સ્ટેમ્પ કરાવી લેનારા 4 શખ્સ સહિત કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

