પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે અલ્તાફ ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી. કુખ્યાત અલ્તાફ બાસી વિરુદ્ધ અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે તાજેતરમાં જ વધુ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. હથિયાર સાથે હુમલો કરવામાં સંડોવાયેલા અલ્તાફ બાસી સહિત તેના 2 ભત્રીજાઓ અને અન્ય શખ્સોને પકડવા હાલ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાવી હતી.
અહીં મહત્વનું છે કે, ગત 10 મી મેં ના રોજ ગોમતીપુરના ચારતોળા કબ્રસ્તાન પાસે દુકાનોમાં તોડફોડ કરી અને અન્ય હાજર કેટલાક લોકોને કબ્રસ્તાનનો મસીહા બને છે ? તેવું કહી ધમકાવ્યા અને ધાડ કરી નાસી છૂટયા હતા. જે મામલે ફરિયાદી પોલીસ કમિશનરને મળતા અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પોલીસ કમિશનરના આદેશ બાદ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સામે આવ્યું હતું કે, અલ્તાફ બાસી પોલીસ ધરપકડથી બચવા ગુજરાત છોડી મુંબઈ જવા રવાના થયો છે. જેની માહિતી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત પાસે વોચ ગોઠવી મુંબઈ નાસી છૂટે તે પહેલા જ અલ્તાફ બાસીની અટકાયત કરી લીધી હતી.
મળતી માહિતી અનુસાર અલ્તાફ બાસી વિરુદ્ધ બાપુનગર ,ગોમતીપુર, રખિયાલ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત 17 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. આરોપી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવાના ઇરાદે સ્થાનિકોને ધમકાવતો હતો. એટલું જ નહીં આ અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હાલ તો પોલીસે અલ્તાફ બાસીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આ ફરિયાદ પહેલા ગોમતીપુરના કોર્પોરેટરે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપતા અલ્તાફબાસી વિરુદ્ધ વધુ ત્રણ ગુનાઓ નોંધાતા હવે 20 જેટલા ગુનાઓ નોંધાયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

