અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં ફરી એક વખત પોલીસ કર્મચારીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. દારૂનો જથ્થો લાવ્યા હોવાની બાતમી મળતા જ દારૂ સગેવગે ના થાય તે માટે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ત્યાં પહોંચીને ઘરમાં તપાસ કરી. જ્યાં તેઓને બિયરની પેટી મળી આવતા આ બાબતે ઘરમાં હાજર લોકોની પૂછપરછ કરતા જ તેમણે પોલીસ કર્મીને માર માર્યો છે. જે અંગે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશસિંહ ઝાલા બુધવારે રાતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, કેકાડી વાસમાં રહેતી એક મહિલા બુટલેગર તેના ઘરમાં દારૂ લાવેલા છે. જેથી રમેશ સિંહ ત્યાં પહોંચી ગયા હતા. જ્યાંથી તેમને એક બિયરની પેટી મળી આવી હતી.
આ પણ વાંચો:
સુરત પોલીસનો નવતર પ્રયોગ ગુનાખોરી રોકી શકશે?
જે બિયરની પેટી ક્યાંથી લાવ્યા છે તે અંગે પોલીસ કર્મચારીએ મહિલા તેના બે પુત્ર સાગર અને રાજ તેમજ પુત્રવધુની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને તું અહીં કેમ આવ્યો છે તને જીવતો જવા દેવાનો નથી તેમ કહીને રાજએ બે હાથ પકડી લીધા હતા. જ્યારે સાગરે ફેંટ પકડીને ધમકી આપી હતી કે, તને જીવતો જવા દેવાનો નથી. આજે તો હું તને મારી જ નાંખીશ તેમ કહીને દીવાલ સાથે માથું પછાડવા લાગ્યો હતો અને ફેંટ મારવા લાગ્યો હતો.
આ પણ વાંચો:
સૌરાષ્ટ્રમાં બુધવારે આંધી વંટોળ સાથે હતો વરસાદ
જોકે, પોલીસ કર્મચારીને માથાના ભાગે લોહી નીકળતા તે ત્યાંથી ભાગીને ડી સ્ટાફની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાજર પોલીસ કર્મચારીને સમગ્ર બનાવની જાણ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને પાંચ જેટલા ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે પોલીસે રાજ ગાયકવાડ, સાગર ગાયકવાડ અને બે મહિલા સહિત ચાર લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

